Sunday 20 March 2016

જેતપુર-નવાગઢ- || ઈતિહાસ || ઈતિહાસ-સ્થાપત્ય

''વાંકી મૂછો, વાંકી પાઘડી, વાંકી શિરોહી તલવાર,
રાંગમા ઘોડિયું થનગને, ઈ મુલક કાઠિયાવાડ.''
    આવા આ કાઠિયાવાડના કાઠી પરગણાના કેન્દ્રસ્થ ગામ જેતપુર વિશેની થોડી રસપ્રદ વિગતો અત્રે રજૂ કરેલ છે.

''માહિતી કેટલીક સાંપડી, મખ્યો આગળનો ઇતિહાસ,
જે કંઈ મુજને જડયું, સંગ્રહ કીધો સાર.''
    ઈ.સ. ૧૯૩પમાં ગર્વમેન્ટ ઓફ ઈન્‍િડયા તરફથી પ્રકાશિત થયેલ અંગ્રેજી પુસ્તક - ' ધ રુલીંગ પ્રિન્‍િસઝ, ચિફસ એન્ડ લીડીંગ પરસન્સ ઈન ધ વેસ્ટર્ન ઈન્‍િડયા સ્ટેટ એજન્સી' માં જણાવ્યું છે કે બ્રહ્માની પિસ્તાલીસમી પેઢીએ બાલાદિત્ય થયા તેના અનુવંશીઓ બાલા કહેવાયા. તેઓ કાઠિયાવાડમાં આવ્યા પછી 'વાળા' કહેવાયા. તેમાં પુષ્પમિત્ર થયા. તેમણે તેમના પિતા અહિ કેતુના નામ ઉપરથી 'અહિકેતપુર' વસાવ્યું. જે પાછળથી 'ગુર્જરગઢ', 'જેતપોર' અને અંતે 'જેતપુર' એવા નામે પ્રસિધ્ધ પામયું.

     બ્રહ્માની ૧૬૪મી પેઢીએ થયેલ એભલવાળા છઠ્ઠાએ જેતપુરમાં રાજ કર્યું. તેને ચાંપરાજવાળા અને શેલાયતવાળા એમ બે પુત્રો હતાં. જેમાં દિલ્હીના સૂબા સાથે લડતા-લડતા ચાંપરાજવાળા મરાયા અને જેતપુર મુસલમાનોના હાથમાં ગયુ. થોડો સમય મુસલમાન શાસકોએ રાજ કર્યું.

     મુગલાઈ સતાના અંત પછી કાઠીઓએ પોતાના બાહુબળથી સરવૈયા રાજપૂતોને હરાવી ઈ.સ.૧૭૩પ માં ચીતલ અને બીજા પ્રદેશ મેળવ્‍યા. તે સમયે જેતપુર,બિલખા અને મેંદરડામાં લૂંટારાઓનો ભય રહેતો એને જૂનાગઢમાં રાજકર્તા તેમને શાંત રાખવા સમર્થ ન હતા,તેથી ઈ.સ.૧૯૬૦ માં આ ત્રણ ગામ વાળા કાઠીઓને તેમણે સોંપી દીદ્યા. આ પછી કાઠીઓને ભાવનગર રાજય સાથે દુશ્મનાવટ થતાં કાઠીઓએ વિચાર્યું કે આ ગામ દુશ્મન ના હલ્લા સામે બચાવ કરી શકે તેવું નથી તેથી ઈ.સ.૧૯૯ર માં જેતપુરને ફરતે મજબુત કિલ્લો બંદ્યાવી ત્યાં પોતાનું વડુમથક સ્થાપી રાજદ્યાનીનું શહેર બનાવ્યું. ઈ.સ.૧૮૦૪ માં ગાયકવાડનાં દિવાને જેતપુર પર હુમલો કરી એક મહીનો તોપમારો ચલાવ્યો પણ કીલ્લાની કાંકરી પણ ખરી નહી, આવો મજબૂત તે કિલ્લો હતો.

     ચિતલની ગાદી જેતપુર ફેરવવામાં આવી તે સમયે નાજાવાળાના બેપુત્રો હતા. વીરવાળા અને જૈતાવાળા,વીરાવાળાએ બિલખા અને જૈતાવાળાએ જેતપુરની રીયાસત ઉભી કરી અને જેતપુર તેમજ ચિતલ તરફ ધ્યાન આપ્યું. આ વીરાવાળાના વંશજો 'વિરાણી' અને જૈતાવાળાના વંશજો 'જેતાણી' શાખથી ઓળખાયા. સમય જતા ચૈતાણી વાળા દરબારોનાં ભાગમાં જેતપુર, પીઠડીયા, થાણાદેવળી (અમરનગર), માનપુર, માયાપાદર, ભાયાવદર, સનાળા, સૂર્યપ્રતાપગઢ, અનીડા, આલીદ્ય્રા, નડાળા, ખીજડિયા, સરધારપુર, અકાળા વિગેરે આવતા તે સ્ટેટસ તાલુકાઓ બન્યા. ઈ.સ.૧૯૪૭ માં ભારત દેશ સ્વતંત્ર થયો ત્યાં સુધી આ રાજયો ઉપર તેમણે તેમનું શાસન કર્યું હતું.

રણવીર ચાંપરાજવાળા
જેતપુરની ઓળખ ગુજરાતમાં જેતપુર કાઠીનું તરીકે ઓળખાય છે, એવા આપણા આ જેતપુર શહેરમાં વીર ચાંપરાજવાળા નામે વિખ્યાત રાજવી થયા. એમના વિશેની એક પરંપરાગત કથા છે કે ચાંપરાજવાળાને એક સ્વરૂપવાન પુત્રી હતી. તેની માંગણી મુસલમાન સૂબાને પહોંચી શકાય તેમ નથી તેમ જણાતા પોતાની કુંવરીને તલવારને ઝાટકે મારી નાખી, પછી ભાદરને કાંઠે મહાદેવ સમક્ષ કમળપૂજા કરી યુધ્ધમાં ઉતર્યા. જયાં તેમણે કમળપૂજા કરી તેમનું શિર પડયું. તે સ્થળે જેતપુરમાં આજે ચાંપરાજની બારી તરીકે ઓળખવામાં આવે છે. આ સ્થળે હાલ તેમનું મંદિર બનાવવામાં આવેલ છે, જયાં તેમના મસ્તકની પ્રતિકૃતિ મૂકેલ છે. ચાંપરાજવાળાનું ઘડ લડતું લડતું દુશ્મન સૈન્ય પાછળ પડયું અને છેક અમરેલી જિલ્લમાં આવેલ લાઠી ગામનાં પાદર સુઘી દુશ્મનોને તગડી આવ્યું, પણ ત્યાં કોઈએ આ ઘડ ઉપર ગળીનો દોરો નાખતાં ઘડ ત્યાં પડી ગયું. (કારણ ગળી અપવિત્ર મનાય છે.) આ વીર પુરૂષની યાદ કાયમ જળવાઈ રહે તે માટે જેતપુરના મુખ્યચોકને ’ચાંપરાજવાળા ચોક’ એવું નામકરણ કરી તેમની સ્મૃતિ જાળવવાનો પ્રયત્ન થયો છે.

તપુર દરબાર સાહેબશ્રીમુળુવાળા સાહેબ

        જેતપુરના રાજવી શ્રી મુળુવાળા સાહેબનો જન્મ ઈ.સ. ૧૮૩૭ માં થયો હતો. દ. શ્રી. મુળુવાળા સાહેબ સારાં વહીવટ કુશળ રાજવી હતાં તેમની યશસ્વી કારકીર્દી ચૌતરફ કાઠીયાવાડમાં ફેલાઈ હતી. તેઓ ઉજજવળ પ્રતિભા ધરાવતા હોવાના ભાગ રૂપે ઈ.સ. ૧૯ર૮માં અંગ્રેજોએ સી.આઈ.ઈ. ના ઈલ્કાબથી વિભુષ‍િત કર્યા હતાં. આવા બિરૂદો ’રાજાશાહી’ યુગમાં ’કલગી’ રૂપ ગણાતાં. દરબારશ્રી મુળુવાળા સાહેબ જેતપુર તાલુકા કોર્ટના પણ આજીવન મેમ્બર હતાં. જે તાલુકા કોર્ટનું મકાન ’જૂની કોર્ટ’ તરીકે ઓળખાય છે. અને આજે પણ હયાત છે.

        દરબાર શ્રી મુળુવાળા સાહેબ ની ઉદારતા તથા ધાર્મિક આસ્થા ઉમદા હતી. દરબાર સાહેબે ત્રણ જુદા જુદા સમયે ’ચોર્યાસી’ નામનો યજ્ઞ પંડીતો પાસે કરાવેલ અને આ યજ્ઞ સમયે જેતપુરની વસતી અંદાજે ૩૦ હજારની હોવાનું મનાય છે. આ રાન પરિવારનું નિવાસસ્થાન વિક્રમશીબાપુના ગઢથી પ્રખ્યાત હતો જે આજે પણ સ્વામીનારાયણ મંદિરની સામે આવેલો છે. દરબાર સાહેબ દવારા નિર્માણ મહેલ, શિવાલયો, મંદિરો, ધર્મશાળાઓની યાદી ઘણી છે. આ બધી જ સખાવતો પ્રજાપર્ણ તે સમયે કરવામાં આવેલી.

સ્થાપત્ય

દરવાજા અને બારીઓ

એક કાળે જેતપુરમાં ગઢને ફરતે કુલ પાંચ દરવાજા અને બે બારીઓ હતી. જેમાં

૧) ગોંડલ દરવાજો - જયાંથી ગોંડલ તરફ જવાતું,
ર) ધોરાજી દરવાજો - જયાંથી ધોરાજી તરફ જવાતું,
૩) નવો દરવાજો - ત્યાંથી મોઢવાડી અને ભમરીયા તરફ જવાતું,
૪) જૂનાગઢ દરવાજો - જગાવાલાના પરા પાસે જૂના મહાજનવાડા પાસે હતો.
પ) બોખલો દરવાજો

આમ કુલ પાંચ દરવાજા હતા. તેમજ ચાંપરાજની બારી અને લક્ષમણવાળાની બારી એમ બે બારીઓ હતી.

પરા

   જેતપુરને ફરતે બાર પરા હતાં. તેમાં પાંચ મોટા અને સાત નાના પરા હતાં. તેમાં ભીલપરું, ખીજડાપરું, કંગાલપરું, ખોડપરું, જગાવાળાનું પરું , બાવાવાળાનું પરું, સુરગવાળા પરું, લખુભાઈ પરું, નાજાવાળા પરું, કુંભારપરું, ખાંટપરું એ મુખ્ય પરા હતાં.

રેલ્વેનો પુલ

    જેના કાંઠે જેતપુર વસેલું છે તે પુરાણ પવિત્ર ભાદર નદી (ભદ્રાવતી) એ બીજી નદીઓ કરતાં મોટી નદી હતી અને હાલ આ નદીમાં જયાં રેલ્વેનો પુલ છે તેની પાસે એક મોટો ધોધ હતો અને તેના પાણીના જોરથી કપાસ પીલવાના ત્રણ ચરખા ચાલતા. તેને જળચકકી કહેતા. ત્યાંથી છેક કુતિયાણા સુધી નદીમાં વહાણો ચાલતાં અને તે દવારા વેપાર તેમજ મુસાફરી થતી.
      ભાદર નદી ઉપર જે રેલ્વે પુલ આવેલો છે તે દરબાર સાહેબશ્રી મુળુવાળા સાહેબના સમયમાં બંધાયો હતો. જેના ખર્ચમાં દરબાર સાહેબ ઉપરાંત ગોંડલનાં સર ભગવતસિંહ બાપુ તેમજ જુનાગઢનાં નવાબ સાહેબનો પણ ફાળો છે. આ પુલનુ ઈજનેરી કામ કરનાર રોબર્ટ બુથ નામનાં અંગ્રેજ હતાં. ઈ.સ. ૧૮૭૪માં આ કાર્યની શરૂઆત થઈ હતી. એ પુલ આજે પણ હયાત છે.

સૂર્ય મંદિર

    જેતપુરના દ. : શ્રી મુળુવાળા સુરગવાળા (સી.આઈ.ઈ.) પ્રજા વત્યલ્ય રાજવી અને સૂર્ય ઉપાસક હતાં. કાઠી ક્ષત્રિયો આદી અનાદીની પ્રાચીન સંસ્કૃતિ સાથે સંકળાયેલા હોય, સુર્ય પૂજા કરવા માટે ઈ.સ. ૧૯૧પની આસપાસ રાજકોટ રોડ, ધારેશ્વર પાસે બંધાયેલું આ ધારેશ્વર સુર્યમંદિર વાળા વંશના રાજવીઓને રાજાશાહી યુગનું નજરાણું ગણી શકાય તેવો બેનમૂન સ્થાપત્ય કલાનો આ વારસો છે. આ મંદિર બાંધકામ માટે રબારીકા ગામની ખાણોનાં પથ્થરો વડે નિર્માણ થયેલ છે. આ પથ્થરોમાં લુણો લાગતો નથી, તથા ઉતમ કોતરણી છે.
     દ.: શ્રી મુળુવાળાએ આ સૂર્યમંદિર બાંધતાં પહેલા ભૌગોલિક બાબતોનો ખાસ ખ્યાલ રાખેલ હતો કે, આ દેવળ માહેની બિરાજમાન મુર્તિઓ ઉપર શ્રી સૂર્યનારાયણ ભગવાનનાં પ્રથમ કિરણો પડે તે માટે સુર્ય ગતિ તથા ધરતીની ઉંચાઈ ચોકકસ પ્રમાણસર રાખવામાં આવેલી છે. તે સમયે આ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા રાજય જયોતિષ વેદ અભ્યાસુ સ્વ. દલપતરામ જોષીનાં શાસ્ત્રોકત પઠનવડે કરવામાં આવેલ. આ સુર્યમંદિરનાં ગર્ભ ગ્રહ માહેની તે સમયની મૂર્તિઓમાં સાત ઘોડાઓના રથવાળી આરસની મૂર્તિઓ હતી. તથા મંદિરનાં બહારનાં - અંદરનાં ભાગે અનેક મૂર્તિઓ પથ્થરની છે.જે દરેકની નીચે નામ કોતરાયેલા છે. જેમાં વાલખીલ, ચિંતામણી, શોકમણી વિગેરે જેવાં શાસ્ત્રોકત અર્થસભર નામો કંડારાયેલા છે.

- Sagarbhai Sarteja (vahivancha barot ) Saurashtra

1 comments:

DILIP VEKARIYA said...

Very good tnx

Post a Comment

 
Design and Bloggerized by JMD Computer