Showing posts with label paghdi. Show all posts
Showing posts with label paghdi. Show all posts

Friday 22 September 2023

સાફા અંગે રસપ્રદ માહિતી 🌹🌹

          (૧) રાજવી જયારે સાફો બાંધે ત્યારે તેનું છોગુ પગની પાનીએ સ્પશૅ કરતું હોવું જોઈએ. 
           (૨) તાલુકદાર કે ટીલાત સાફો બાંધે ત્યારે તેનું છોગુ ગોઠણથી નીચે હોવું જોઈએ. 
           (૩) ભાયાતો કે સમાજના અન્ય ભાઈઓ સાફો બાંધે ત્યારે તેનુ છોગુ ગોઠણથી ઉપર અને કમરથી નીચે હોવું જોઈએ. 
            (૪) રાજમાં કામ કરતા લોકો તેમજ ખવાસ, વાણંદ, સઈ, સુતાર વગેરેના સાફાનુ છોગુ કમરથી ઉપર હોવું જોઈએ. 
            (૫) રાજવી, તાલુકદાર, ટીલાત કે પછી સમાજના ભાયાતો ભાઈઓ જયારે ખરખરાના કામે જાય ત્યારે સફેદ સાફો અને છોગુ વાળેલું હોવું જોઈએ એટલે કે છોગાનો છેડો વાળીને સાફામાં ભરાવેલો હોવો જોઈએ. એવું કહેવાય છે કે ખરખરાના કામે જતી વ્યકિતને રામરામ ન કરાય માત્ર બે હાથ જોડી નમસ્તે કરી શકાય આ કારણસર છોગુ વાળેલું હોવું જોઈએ. 
          (૬) રાજા મહારાજાના સાફા જરિયન એટલે કે જરીવાળા ચમકતા હોવા જોઈએ. અન્ય ભાયાતો અને ભાઈઓના સાફા રેશમી હોય છે. વાણીયા વેપારીને સુતરાવ કોટનના સાફા હોય છે.
          (૭) દશનામી સાધુને ભગવો સાફો અને ફકિરને લીલો સાફો તેમજ મુસ્લીમોને ડબલ છોગાવાળો સાફો હોય છે.

         શુભપ્રસંગોમાં શુભ રંગના સાફા બાંધવામાં આવે છે તેમજ શોકના પ્રસંગે ગૂઢા રંગના કે મોટા ભાગે સફેદ સાફા બાંધવામાં આવે છે. રજવાડામાં એક એવો રિવાજ હતો કે રાજાની હયાતિમા રાજમાતાનુ અવસાન થાય તેવા શોકના પ્રસંગે બધા ખાખી રંગના સાફા બાંધે. રાજાના અવસાન પ્રસંગે બધા સફેદ સાફા બાંધે.
          જુના જમાનામાં તો ઉઘાડમથો અને શસ્ર વિનાનો ક્ષત્રિય સામે મળે તો તે અપશુકન ગણાતા. મહેમાનને ખુલ્લે માથે રામરામ ન કરાય. માથે સાફો કે પાઘડી બાંધેલ ન હોય તો ખંભે રાખેલ ફાળીયુ માથા પર રાખી પછી રામરામ કરવામાં આવે. ખંભે ફાળીયુ પણ ન હોય તો પોતાનો ડાબો હાથ પોતાના જ માથા ઉપર રાખી જમણા હાથથી મહેમાનને રામરામ કરવામાં આવે એવો રિવાજ આજે પણ અમુક ગામોમાં છે. સાફો કે પાઘડી એ સન્માન અને મોભાનું પ્રતિક છે. 
                 રાજાના નિવાસસ્થાન કરતા એટલે કે રાજમહેલ કરતા કોઈ પ્રજાજનનુ મકાન ઉંચુ ન હોવુ જોઈએ તેમજ રાજા કરતા પ્રજામાં કોઈ અમીર હોય તો પણ રાજા જ ધનવાન ગણાય કારણ કાળ-દુષ્કાળમાં રાજા જ પ્રજાને નિભાવે છે તેથી આવો મલાજો જાળવવાના આવા વણલખ્યા નિયમો હતા.આ બધી ઐતિહાસિક વાતો જુના જમાનાની છે. પણ એની પાછળ રહેલો ગૂઢાથૅ અતિ રસપ્રદ અને જાણવા લાયક હોય છે.

 
Design and Bloggerized by JMD Computer