લોકજીવનનાં મોતી – જોરાવરસિંહ જાદવ

આજે બ્રાહ્મણોમાં ૮૪ શાખાઓ છે. રાજપૂતોમાં ૩૬ શાખાઓ છે એમ વહીવંચા ભાટોની નવ કટારી (શાખા) ગણાય છે. કાલિકાપ્રસાદને નવ પુત્રો હતા એટલે નવ પ્રકારના ભાટ કહેવાયા. તેમની નવ કટારી આ પ્રમાણે છે ઃ ૧ દુર્ગાકટારી ૨ કમલ કટારી ૩ કમર કટારી ૪ અમર કટારી ૫ શામ કટારી ૬ બ્રહ્મકટારી ૭ રુદ્ર કટારી ૮. શ્રી કટારી અને ૯ સુંદર કટારી. વિવિધ કટારીના ભાટો ક્યાંથી ઉત્પન્ન થયા તેની વિગત બારોટના કટારી ગીતમાંથી આ પ્રમાણે સાંપડે છે 

કાલિકાપ્રસાદના દીકરા ચંડેસા ભાટ અને ચંડેશાના કરણ ભાટ થયા. કાવ્યશાસ્ત્રના વિદ્વાન એવા કરણ ભાટે બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શૂદ્ર એમ ચાર વર્ણોની કાયદેસરની વંશાવળી બાંધી આપી અને બ્રહ્મભટ્ટોને વહેંચી આપી, ત્યારથી બ્રહ્મભટ્ટો વહીવંચા અથવા ચોપડિયા ભાટ ગણાયા. જૂના કાળે રાજામહારાજાઓ તરફથી ભાટોને ઇનામમાં હાથી, ઘોડા, ગામ ગરાસ મળતા. જૂના કાળે ચાર પ્રકારના વહીવંચા બારોટો હતા. નાગમગા, રાણીમગા, પહાડમગા અને સમુદ્રમગા. નાગમગા, બારોટોના યજમાન નાગદેવતા હતા. તેઓ નાગ પાસે જ માગતા. કિંવદંતી કહે છે કે નાગદેવ પ્રસન્ન થઈને તેમના પરિયાના પરિયા ખાય તેટલું ધન આપતા. તેઓ જીવનમાં એક જ વાર નાગને માગતા. રાણીમગા બારોટો રાણીવાસમાં જઈને રાણીઓ પાસે માગતા. પહાડમગા અને સમુદ્રમગા ડુંગર અને દરિયાદેવ પાસે માગતા. આજે તો આ ચારમાંથી કોઇ બારોટો પ્રગટ રહ્યા હોવાનું જાણમાં નથી, પણ જૂના દુહામાં આ વાત જણાય છે

પહાડ મગા પણ જાણજો, નાગમગા નિરધાર,

દેવવંશી તે હોય છે કહીએ વારંવાર.

ધર્મગ્રંથો અનુસાર ચાર યુગમાં વિદ્વાન ભાટ કવિઓ થઈ ગયા છે. સતયુગમાં વેલંગ, બાલાસ અને ભીમસી, ત્રેતાયુગમાં બલિ રાજા પાસે પિંગલ અને શ્રીરામ પાસે રંપાલ, દ્વાપરયુગમાં પાંડવોના આશ્રયે સંજય અને કળિયુગમાં વિક્રમરાજા પાસે વેતાળ નામના ખ્યાતનામ ભાટ-બારોટો થઈ ગયા

.

ઇતિહાસના પાનાં ઉઘાડીએ તો જણાય છે કે ભાટ-બારોટોને લોકજાતિઓ સાથે જેટલો નાતો હતો એટલો રાજરજવાડાંઓ સાથે પણ હતો. વિદ્વાન ભાટો રાજા મહારાજાઓના દરબારમાં માનભર્યું સ્થાન પામ્યા હતા. રાજા ભોજ પાસે વિદ્યામલ ભાટ, પૃથ્વીરાજ ચૌહાણ પાસે ચંદભાટ, શાહબુદ્દીન ઘોરી પાસે કેદાર ભાટ, કનોજના રાજવી જયચંદ જોડે શ્રીકંઠ ભાટ, ચંદલ પરમાર પાસે જનક ભાટ, જગદેવ પરમાર પાસે કંકાળજી ભાટ, શાલિવાહન પાસે સતાભાટ, અકબર પાસે ગંગા ભાટ, નરહરિ, મહારાણા પ્રતાપ પાસે વિજય ભાટ, લાખા ફૂલાણી પાસે હંસરાજ ભાટ સિદ્ધરાજ પાસે શંકર ભાટ, જયશિખરી પાસે ગિરધર ભાટ જેવા સમર્થ ભાટ બારોટો એમના રાજ-દરબારને શોભાવતા હતા.

જૂના કાળે ભાટ-બારોટો માત્ર રાજદરબારોની શોભારૂપ જ નહોતા પણ યુદ્ધના સમયમાં શૌર્યગીતો લલકારીને રાજાઓને પોરસ ચડાવી પરાક્રમ દ્વારા વિજયી બનાવવામાં મદદરૂપ થતા. આ બારોટોએ લોકજાતિઓના ઘરખોરડાથી માંડીને રાજવીઓની મહેલાતો સુધીના ઇતિહાસને પોતાની ‘વહીઓ’માં કડીબદ્ધ રીતે જાળવી રાખ્યો છે. વહી રાખનાર અને વાંચનાર બારોટો, લોકસંસ્કૃતિના વાહકો જ નહીં વૈતાલિકો બની રહ્યા હતા. આ ભાટ બારોટો પાસે ચારણી સાહિત્યની જેમ બારોટી સાહિત્યના સમૃદ્ધ ભંડારો હાંફતા પડયા છે. અંગ્રેજ અમલદારો ફોર્બસ, કર્નલ, ટોડ, કર્નલ વોકર અને કવિ દલપતરામ જેવા ઇતિહાસ અને સાહિત્યપ્રેમીઓએ એમનાં હૈયાંકપાટ ઉઘડાવ્યા ત્યારે સમાજને એમના મૂલ્યવાન સાહિત્ય સર્જનની ભાળ મળી. લોકજીવનનો ઇતિહાસ અને સંસ્કૃતિના સુવર્ણકણોને પારખનાર ફોર્બસ રાસમાળાની પ્રસ્તાવનામાં નિખાલસપણે નોંધે છે કે

‘હું સરકારી અધિકાર ઉપર હતો. એ વખતે મારી પાસે એક કાગળ રજૂ કરવામાં આવ્યો. તેના ઉપર બે ભાટની સહીઓ સાથે કટારીઓના નિશાન કાઢેલાં હતાં. તે જોઈને મારી જિજ્ઞાસા ઉદિત થઈ. મેં પૂછપરછ કરવા માંડી અને ભાટ જાતિના લોકોમાંથી મને જેનો સમાગમ કરવો ઘટે તેઓનો મેં સમાગમ કર્યો. ભાટ લોકોના સાહિત્ય ભંડારની મને આ રીતે ઝાંખી થઈ. ભાટની વાતોનું જ્ઞાન મેળવવા માટે મારે કોઈ દેશી માણસની આવશ્યકતા હતી. એમાં સદ્ભાગ્યે મને કવીશ્વર દલપતરામનો ભેટો થઈ ગયો.’ પછી રાસમાળા ભા.૧ અને ૨માં, બારોટના ચોપડા, કથાઓ, ગીતો અને સાહિત્યનો ભરપેટ ઉપયોગ કરી ને એમના પ્રાણવાન સાહિત્યનો પરિચય ગુજરાતીનો કક્કો નહીં જાણનાર ફોર્બસે આપણને સૌ પ્રથમવાર કરાવ્યો.

ઝવેરચંદ મેઘાણીને તેમની શોધયાત્રા દરમ્યાન ‘રંગ છે બારોટ’ સંગ્રહની કથાઓ વિદ્વાન બારોટ અને વાર્તાકાર શ્રી જેઠાભાઈ અરજણભાઈ પાસેથી સાંપડી હતી. મેઘાણીભાઈને ભાટ-બારોટોના સાહિત્ય ઉપર સંશોધન કરવાનો સમય મળ્યો હોત તો કાળની ગર્તામાં વિલીન થઈ ગયેલું ઘણું સાહિત્ય બચાવી લઈ શકાયું હોત. ઇકનોર (જિ.ઇટાવા)માં જન્મેલા ભાટ કવિ ગંગના સવૈયા તો આજે ય લોકજીભે રમતા જોવા મળે છે. એમાં કવિ સમજાવે છે કે માણસ માટે સૌથી બુરી ચીજ શું છે ?

પૌરાણિક કાળથી ઊભી થયેલી વહીવંચાઓની પરંપરામાં દેવ, દાનવ, અને માનવના કર્તવ્ય, અકર્તવ્યની નોંધ રાખવાનું અને તેના દ્વારા પોતાની આજીવિકા રળવાનું બ્રહ્મદેવ દ્વારા જ ઠરાવવામાં આવ્યું. દરેક માણસ પોતાની ઉપજનો દસમો ભાગ બ્રહ્મરાવના સંતાનોને આપતો તેથી તેઓ દશોંદી નામે ઓળખાણા. સમય જતાં બંદીજનો ભગવાનના કથાકીર્તનમાં વળ્યા. મનુષ્યનો ઇતિહાસ અને વંશવર્ણન સુત ભાટના ભાગમાં આવ્યું અને ધર્મકથા કહેનાર સુતપુરાણી થયા. માગધ ભાટ બહુધા મનોરંજનનું કાર્ય કરતા, મધ્યકાળમાં આની કીર્તિવાન, ચતુરદિશા, યશવાન, તર્કવી, ચંડેસા, બુદ્ધિવંત, અદ્રષ્ટવી, વિજય અને હરિવંશ એમ નવ શાખાઓ થઈ, એમ શ્રી કેસુભાઈ બારોટ નોંધે છે.

ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છમાં ભાટ-બારોટોની ૪૦૦ ઉપરાંત શાખો હોવાની નોંધ કનુભાઈ હરિભાઇ બારોટ (બાવળા) પાસેથી મળે છે. જેમાં મહત્ત્વની શાખો આ મુજબ છે. કનોજિયા, કચ્છવા, કલાધાર, કંકણ, કૃષ્ણોતર, કઠિયા, કટારિયા, ખીચી, ખંભાતિયા, ગઢિયા, ગુજર, ઘેલાણી, ચંડેસા, ચિત્રોડા, જાગીરદાર, જોધ્યા, નાગમગા, પારકર, પાનસેરિયા, બાગોરા, બડવા, બંદીજન, બારહઠ્ઠ, બરદાઈ, ભાસ્કર, ભાટ, મનાતર, મોલિયા, લખધીર, રેણુકા, રાવત, રાઠોડ, રનતપરિયા, રખૈયા, સોનરાજ, સોનરાત, સોઢાતર, સારંગ, સૂત, સુજાર, આણંદકા, ઉદાવત, બરદાઈ, આજોદરા, અગરાણી, મારૃ, જેસાણી, જોધા, દેવાયતકા, રાવ, રાવજી, ઘેલાણી, કંકાળી, પાલીમગા, વામગોતર, દેવલુક, ચિત્રોડા, આણંદકા વગેરે છે.

આમાંથી બધા જ બારોટો વહીવંચા નથી. કનોજિયા અથવા સિંધવા ભાટ, આંબેચા ભાટ, સોરઠિયા ભાટ, અમદાવાદી ભાટ વહીવંચા દેવ ગણાય છે. તેઓ વહી અર્થાત્ ચોપડા રાખે છે. શ્રી કાનાભાઈ ડાંગર કહે છે કે કાઠી દરબારોના ચોપડા રેણુકા શાખના બારોટ રાખે છે. ચારણોના વહીવંચા સોનારાત બારોટ છે. આયરોના બારોટ લખધીરકા શાખના છે. પરજિયા સોનીના બારોટ સાદુળકા શાખના છે. હરિજનોના બારોટ તૂરી અને ગરો છે. આમ આપણે ત્યાં દેવીપૂજકથી માંડીને વાણિયા સુધી અને હરિજનોથી માંડીને બ્રાહ્મણ સુધીની ૨૦૦ ઉપરાંત જાતિઓના વહીવંચા બારોટો છે.

વગડામાં વસવાટ કરનાર અભણ રબારી-ભરવાડોના ય વહીવંચા બારોટ છે. થાનગઢમાં વસવાટ કરતા વિજાણંદના વંશજ ૯૫ વર્ષના વયોવૃદ્ધ વહીવંચા લાભુભાઈ ભાંચળિયા છે. જાણીતા પપેટિયર મહિપત કવિનો પરિવાર પણ એક કાળે ભરવાડોના વહીવંચા તરીકે કાર્યશીલ હતો. સૌરાષ્ટ્રમાં ૨૦૦ ઉપરાંત જાતિઓનો વસવાટ જોવા મળે છે. આ બધી જ જાતિઓને પોતાના વહીવંચા બારોટો છે. અપવાદરૂપે લોહાણા, નાગર અને મેમણ આ ત્રણ જ્ઞાતિઓને પોતાના કોઇ વહીવંચા નથી એની વાત ફરી કોઇવાર.

જૂના જમાનામાં જ્યારે ઇતિહાસો લખાતા નહોતા ત્યારથી બારોટોના ચોપડા લખાતા આવ્યા છે. આ ‘વહી’ ચોપડામાં ભલે સામાજિક ઇતિહાસનું આલેખન ન હોય પણ જે તે જ્ઞાતિના કુળ અને મૂળનો દસ્તાવેજ એમાંથી સાંપડે છે. લોકસંસ્કૃતિને જાળવનારી આ પરંપરા આજે ઝડપથી લુપ્ત થવા માંડી છે. બારોટોના ભણેલા ગણેલા દીકરાઓ નોકરીધંધે લાગી જતાં તેમને ય આમાં રસ રહ્યો નથી. યજમાનો તરફથી ય બારોટોને પહેલાં જેવો ઉમળકાભર્યો આવકારો મળતો બંધ થયો છે એટલે બારોટજી બે ચાર વર્ષે આંટો આવી જાય. નવાં છોકરાંના નામ નોંધી જાય અને શીખ લઈને વિદાય થઈ જાય છે. જૂના કાળે વહીવંચા બારોટોની મહેમાનગતિ કેવી રીતે કરાતી તેની રસપ્રદ વાતું ફરી ક્યારેક કરશું.

આજે તો ગુજરાત. સૌરાષ્ટ્રના લોકજીવનમાંથી ભાટ, વહીવંચા બારોટ અને એમની વાણી સાવ જ વીસરાઇ ગયા છે. તેના અવશેષરૂપે પરંપરા ક્યાંક ક્યાંક ટાબકટીકરૂપે જોવા મળે છે. લોકજાતિઓના ઇતિહાસને પોતાના જીર્ણશીર્ણ પાનાંઓમાં સાચવીને બેઠેલા વહીવંચા બારોટોના ચોપડા આજે તો પટારામાં પુરાઇને પડયા છે. ‘વહી’ એટલે ચોપડા અને ‘વંચા’ એટલે વાંચનાર. ગુજરાતમાં આપણે ભાટ-ચારણ શબ્દ વાપરીએ છીએ એટલે એવું મનાય છે કે બેય એક જ જ્ઞાતિ છે, પણ હકીકતે ચારણ અને ભાટ અર્થાત્ બારોટ બંને જુદી જુદી જ્ઞાતિઓ છે. ચારણો પોતાના બારોટને ‘દેવ’ તરીકે ઓળખે છે. ચારણો જેવી જ બીજી જ્ઞાતિ બ્રહ્મભટ્ટ બારોટોની છે. આ બારોટો વહીવંચા તરીકે ઓળખાય છે. તેઓ માનવજાતનાં જાુદાં જાુદાં કુળો અને જ્ઞાતિઓની વંશાવલીના ચોપડા રાખે છે. જૂના કાળે તેઓ દર વર્ષે પોતાના જજમાનોમાં જતા અને પરણીને સાસરે આવેલી વહુઆરુઓ અને નવાં જન્મેલાં દીકરા-દીકરિયુંના નામ નોંધીને યજમાનના કુળની વેલ્ય ચોપડા ઉપર આગળ વધારતા જતા. આવા ચોપડિયા ભાટ બારોટોની પરંપરા ભારત સિવાય તમને દુનિયાના કોઇપણ દેશમાં જોવા નહીં મળે. આ ભારતીય સંસ્કૃતિની દેન છે.

વહીવંચા બારોટ પુરાણપ્રસિદ્ધ અને પ્રાચીન જાતિ છે. જૂનાકાળે તે સૂત, મગધ, બંદીજન, દેવરૂપ, બ્રહ્મરાવ, સ્તુતિપાઠક ઇત્યાદિ નામથી ઓળખાતી. ગુજરાત ઉપરાંત ભારતના વિભિન્ન રાજ્યોમાં પથરાયેલી આ જ્ઞાતિ પંજાબ- હરિયાણામાં જગાજી, ગંગાનગર અને બિકાનેરમાં ભાટ રાજા, મારવાડમાં રાવજી, ઉ.પ્રદેશમાં રાયજી, પટિયાજી, અવધ, ગોરખપુર અને ગોંડામાં જશોધી, મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્રમાં વહીવંચા, જોધપુર, શેખાવટી (રાજસ્થાન)માં તેઓ બડવા તરીકે અને ગુજરાત- સૌરાષ્ટ્રમાં બ્રહ્મભટ્ટ, બારોટજી, દેવ વગેરે નામથી ઓળખાય છે.

ભારતીય ઋષિઓએ આપણને જે સાંસ્કૃતિક પરંપરા અને સંસ્કારો આપ્યા છે તે પરિશુદ્ધ અને વૈજ્ઞાનિક છે. ગુરુ વશિષ્ટને એમ થયું કે હાલ જે લગ્નપ્રથા છે તે યોગ્ય નથી. એમને ગોત્રોની રચના કરવાનો વિચાર આવ્યો એટલે એમણે ઋષિ-મુનિઓ, બ્રાહ્મણો અને રાજાઓના સહકારથી બ્રાહ્મણ ઋષિના નામથી ગોત્ર શરૂ કર્યાં. આ પ્રત્યેક ગોત્રની નોંધ ભટ્ટ (ભાટ) રાખે. દરેક ગોત્રની પરિશુદ્ધતા અને યાદી જળવાઈ રહે તે માટે ધાર્મિક ક્રિયા અને તીર્થસ્થાનોની યાત્રા પ્રસંગે ફરજિયાત ગોત્ર ઉચ્ચાર કરાવવાનું બંધારણ પ્રસ્થાપિત કર્યું. એક ગોત્રમાં સામસામે, લગ્નસંબંધ વર્જ્ય ગણાતો. વર્તમાન વિજ્ઞાન કહે છે કે નજીકના લોહીના સંબંધથી બાળકો ખોડ-ખાંપણવાળાં જન્મે છે. (આજે તો કહેવાતા સુધરેલા સમાજમાં પિતરાઇ ભાઈબહેનોના, બે સગી બહેનોના બાળકોના અને સગા મામા ફોઇના દીકરા દીકરીઓ વરે છે.)

‘બારોટ અસ્મિતા’ના સ્વપ્નદ્રષ્ટા શ્રી કેસુભાઈ બારોટ નોંધે છે. પૌરાણિક કથા અનુસાર ભાટ લોકોની ઉત્પત્તિ મહાદેવના કપાળના પરસેવામાંથી થઈ છે. એમાં ઘણી પેઢીઓ પછી કાલિકાપ્રસાદ ભાટ થયા. એમને માતા કાલિકા પ્રસન્ન હતાં. માતાએ એમને કટારી આપી. આ કટારી પાસે રાખી કાલિકાપ્રસાદે ચારેય દિશામાં વિદ્યાવિજય કર્યો. ત્યારથી ભાટ કવિઓ કટારી ધારણ કરતા થયા. રાજા-મહારાજાઓના જામીનખતમાં ભાટોને સાક્ષીરૂપે લેવામાં આવતા. તેમાં કટારીનું ચિહ્ન દોરવામાં આવતું. (આમાં કોઈ પક્ષ કરારભંગ કરે તો ભાટ-બારોટ ત્રાગાં કરી બલિદાન આપતા એવાય ઘણા દાખલા નોંધાયા છે.)

આજે બ્રાહ્મણોમાં ૮૪ શાખાઓ છે. રાજપૂતોમાં ૩૬ શાખાઓ છે એમ વહીવંચા ભાટોની નવ કટારી (શાખા) ગણાય છે. કાલિકાપ્રસાદને નવ પુત્રો હતા એટલે નવ પ્રકારના ભાટ કહેવાયા. તેમની નવ કટારી આ પ્રમાણે છે ઃ ૧ દુર્ગાકટારી ૨ કમલ કટારી ૩ કમર કટારી ૪ અમર કટારી ૫ શામ કટારી ૬ બ્રહ્મકટારી ૭ રુદ્ર કટારી ૮. શ્રી કટારી અને ૯ સુંદર કટારી. વિવિધ કટારીના ભાટો ક્યાંથી ઉત્પન્ન થયા તેની વિગત બારોટના કટારી ગીતમાંથી આ પ્રમાણે સાંપડે છે.

પહેલી કટારી બ્રહ્મની તેના બ્રહ્મભટ્ટ થયા

બીજી કટારી વિષ્ણુની તેના ભોજક થયા

ત્રીજી કટારી મહેશની તેની રાણી ભાટ થયા.

ચોથી કટારી શક્તિની તેના રાવજી ભાટ થયા.

પાંચમી કટારી નાગની, તેના કંકાળી ભાટ થયા.

છઠ્ઠી કટારી છપ્પન ધાતુની તેના કૃષ્ણોત્તર થયા.

સાતમી કટારી ઇન્દ્રની તેના રૃપક ભાટ થયા.

આઠમી કટારી ચંદ્રની તેના માધવ ભાટ થયા.

નવમી કટારી સૂર્યની તેના નાગભાટ થયા.

કાલિકાપ્રસાદના દીકરા ચંડેસા ભાટ અને ચંડેશાના કરણ ભાટ થયા. કાવ્યશાસ્ત્રના વિદ્વાન એવા કરણ ભાટે બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શૂદ્ર એમ ચાર વર્ણોની કાયદેસરની વંશાવળી બાંધી આપી અને બ્રહ્મભટ્ટોને વહેંચી આપી, ત્યારથી બ્રહ્મભટ્ટો વહીવંચા અથવા ચોપડિયા ભાટ ગણાયા. જૂના કાળે રાજામહારાજાઓ તરફથી ભાટોને ઇનામમાં હાથી, ઘોડા, ગામ ગરાસ મળતા. જૂના કાળે ચાર પ્રકારના વહીવંચા બારોટો હતા. નાગમગા, રાણીમગા, પહાડમગા અને સમુદ્રમગા. નાગમગા, બારોટોના યજમાન નાગદેવતા હતા. તેઓ નાગ પાસે જ માગતા. કિંવદંતી કહે છે કે નાગદેવ પ્રસન્ન થઈને તેમના પરિયાના પરિયા ખાય તેટલું ધન આપતા. તેઓ જીવનમાં એક જ વાર નાગને માગતા. રાણીમગા બારોટો રાણીવાસમાં જઈને રાણીઓ પાસે માગતા. પહાડમગા અને સમુદ્રમગા ડુંગર અને દરિયાદેવ પાસે માગતા. આજે તો આ ચારમાંથી કોઇ બારોટો પ્રગટ રહ્યા હોવાનું જાણમાં નથી, પણ જૂના દુહામાં આ વાત જણાય છે..

પહાડ મગા પણ જાણજો, નાગમગા નિરધાર,

દેવવંશી તે હોય છે કહીએ વારંવાર.

ધર્મગ્રંથો અનુસાર ચાર યુગમાં વિદ્વાન ભાટ કવિઓ થઈ ગયા છે. સતયુગમાં વેલંગ, બાલાસ અને ભીમસી, ત્રેતાયુગમાં બલિ રાજા પાસે પિંગલ અને શ્રીરામ પાસે રંપાલ, દ્વાપરયુગમાં પાંડવોના આશ્રયે સંજય અને કળિયુગમાં વિક્રમરાજા પાસે વેતાળ નામના ખ્યાતનામ ભાટ-બારોટો થઈ ગયા.

ઇતિહાસના પાનાં ઉઘાડીએ તો જણાય છે કે ભાટ-બારોટોને લોકજાતિઓ સાથે જેટલો નાતો હતો એટલો રાજરજવાડાંઓ સાથે પણ હતો. વિદ્વાન ભાટો રાજા મહારાજાઓના દરબારમાં માનભર્યું સ્થાન પામ્યા હતા. રાજા ભોજ પાસે વિદ્યામલ ભાટ, પૃથ્વીરાજ ચૌહાણ પાસે ચંદભાટ, શાહબુદ્દીન ઘોરી પાસે કેદાર ભાટ, કનોજના રાજવી જયચંદ જોડે શ્રીકંઠ ભાટ, ચંદલ પરમાર પાસે જનક ભાટ, જગદેવ પરમાર પાસે કંકાળજી ભાટ, શાલિવાહન પાસે સતાભાટ, અકબર પાસે ગંગા ભાટ, નરહરિ, મહારાણા પ્રતાપ પાસે વિજય ભાટ, લાખા ફૂલાણી પાસે હંસરાજ ભાટ સિદ્ધરાજ પાસે શંકર ભાટ, જયશિખરી પાસે ગિરધર ભાટ જેવા સમર્થ ભાટ બારોટો એમના રાજ-દરબારને શોભાવતા હતા.

જૂના કાળે ભાટ-બારોટો માત્ર રાજદરબારોની શોભારૂપ જ નહોતા પણ યુદ્ધના સમયમાં શૌર્યગીતો લલકારીને રાજાઓને પોરસ ચડાવી પરાક્રમ દ્વારા વિજયી બનાવવામાં મદદરૂપ થતા. આ બારોટોએ લોકજાતિઓના ઘરખોરડાથી માંડીને રાજવીઓની મહેલાતો સુધીના ઇતિહાસને પોતાની ‘વહીઓ’માં કડીબદ્ધ રીતે જાળવી રાખ્યો છે. વહી રાખનાર અને વાંચનાર બારોટો, લોકસંસ્કૃતિના વાહકો જ નહીં વૈતાલિકો બની રહ્યા હતા. આ ભાટ બારોટો પાસે ચારણી સાહિત્યની જેમ બારોટી સાહિત્યના સમૃદ્ધ ભંડારો હાંફતા પડયા છે. અંગ્રેજ અમલદારો ફોર્બસ, કર્નલ, ટોડ, કર્નલ વોકર અને કવિ દલપતરામ જેવા ઇતિહાસ અને સાહિત્યપ્રેમીઓએ એમનાં હૈયાંકપાટ ઉઘડાવ્યા ત્યારે સમાજને એમના મૂલ્યવાન સાહિત્ય સર્જનની ભાળ મળી. લોકજીવનનો ઇતિહાસ અને સંસ્કૃતિના સુવર્ણકણોને પારખનાર ફોર્બસ રાસમાળાની પ્રસ્તાવનામાં નિખાલસપણે નોંધે છે કે.

‘હું સરકારી અધિકાર ઉપર હતો. એ વખતે મારી પાસે એક કાગળ રજૂ કરવામાં આવ્યો. તેના ઉપર બે ભાટની સહીઓ સાથે કટારીઓના નિશાન કાઢેલાં હતાં. તે જોઈને મારી જિજ્ઞાસા ઉદિત થઈ. મેં પૂછપરછ કરવા માંડી અને ભાટ જાતિના લોકોમાંથી મને જેનો સમાગમ કરવો ઘટે તેઓનો મેં સમાગમ કર્યો. ભાટ લોકોના સાહિત્ય ભંડારની મને આ રીતે ઝાંખી થઈ. ભાટની વાતોનું જ્ઞાન મેળવવા માટે મારે કોઈ દેશી માણસની આવશ્યકતા હતી. એમાં સદ્ભાગ્યે મને કવીશ્વર દલપતરામનો ભેટો થઈ ગયો.’ પછી રાસમાળા ભા.૧ અને ૨માં, બારોટના ચોપડા, કથાઓ, ગીતો અને સાહિત્યનો ભરપેટ ઉપયોગ કરી ને એમના પ્રાણવાન સાહિત્યનો પરિચય ગુજરાતીનો કક્કો નહીં જાણનાર ફોર્બસે આપણને સૌ પ્રથમવાર કરાવ્યો.

ઝવેરચંદ મેઘાણીને તેમની શોધયાત્રા દરમ્યાન ‘રંગ છે બારોટ’ સંગ્રહની કથાઓ વિદ્વાન બારોટ અને વાર્તાકાર શ્રી જેઠાભાઈ અરજણભાઈ પાસેથી સાંપડી હતી. મેઘાણીભાઈને ભાટ-બારોટોના સાહિત્ય ઉપર સંશોધન કરવાનો સમય મળ્યો હોત તો કાળની ગર્તામાં વિલીન થઈ ગયેલું ઘણું સાહિત્ય બચાવી લઈ શકાયું હોત. ઇકનોર (જિ.ઇટાવા)માં જન્મેલા ભાટ કવિ ગંગના સવૈયા તો આજે ય લોકજીભે રમતા જોવા મળે છે. એમાં કવિ સમજાવે છે કે માણસ માટે સૌથી બુરી ચીજ શું છે ?

બૂરો પ્રતીકો પંથ, બૂરો જંગલ કો વાસો

બૂરો પરનારી કો નેહ, બૂરો મૂરખ સો દાસો

બૂરી સૂમકી સેવ, બૂરો ભગિની ઘેર ભાઈ

બૂરી નાર કુલચ્છ, સાસ ઘર બૂરો જમાઈ

બૂરો પેટ પંપાળ બૂરો સૂરન મેં ભાગનો

કવિ ગંગ કહે અકબર સૂનો સબસે બૂરો માંગનો

ડોળિયાના ભક્તકવિ ગીગા બારોટે વર્ષાઋતુનું કેવું સુંદર વર્ણન આપ્યું છે !

મળ્યાં વાદળાં ઘઘૂંબી

કાળા મેઘવાળા ધરા માથે

ચોમાસારા સજયા,

ગર્યે સઘળા સમાઢ

વરામેલી ધરા સરે

ચડી ફોજ ઇન્દ્રવાળી

ગાઢ મેઘ ગાજ્યા

તૂટયા છપ્પનારા ગાઢ.