Sunday 21 May 2023

શ્રીમાન શેઠશ્રી કેશવજી નાયક ના જીવન ની ઝરમર ઈતિહાસ

શ્રી શેત્રુંજય પર ટૂંક બંધાવનાર શ્રીમાન શેઠશ્રી કેશવજી નાયક ના જીવન ની ઝરમર ઈતિહાસ

૨૦૦ વર્ષ પહેલાં અબડાસાના લાખણિયા ગામમાં જન્મેલો અને કોઠારા ગામમાં રહેતો કેશવજી ૧૦ વર્ષનો હતો ત્યારે તેની વિધવા મા હિરબાઈમાએ ગરીબીથી કંટાળી પોતાના ભાઈ નેણશી સવાણી સાથે મુંબઈની વાટ પકડી. થોડા સમયમાં નેણશીબાપાએ મુંબઈમાં કપાસની પેઢી શરૂ કરી અને ભણવાની સાથે કેશવજીએ મામાની પેઢી પર નામુ લખી પોતાનું અને બાનું જીવન ચલાવવા ઢીંગલા (રૂપિયા) કમાવા લાગ્યો.

*એક દિવસ મામાના દીકરા જેવા જરીવાળાં કપડાં પહેરવાની જીદ લઈ બા પાસે પૈસા માગ્યા, પણ માંડ ઘર ચલાવતાં હિરબાઈમા પાસે જરીનાં કપડાં માટે પૈસા ક્યાંથી હોય? રિસાઈને કચવાતા મને કેશવજી મામાની પેઢી પર નામુ લખવા ગયો. ત્યાં કંઈક ભૂલ થતાં મામાએ ઠપકો આપ્યો અને આવેશમાં આવી નામાનાં ચોપડાં પર શાહી ઢોળીને પેઢીનાં પગથિયાં ઊતરી ગયો.*

_*કેશવજી હવે જાય તો જાય ક્યાં? બાનાં દુઃખો અને પોતાની અસહાયતાથી હારીને આપઘાત કરવા દરિયાકિનારે ગયો, પણ રે... નસીબ! દરિયામાં ઓટનો સમય હતો એટલે ભરતીની વાટ જોતાં-જોતાં રેતીપટ પર ઊંઘ આવી ગઈ. સવારના દેવજી ઝવેરી નામના એક ભાટિયા શેઠે તેને જગાડ્યો. ભાટિયા શેઠ માનતા કે તે પોતાના નામે વેપાર કરે છે તો નફો નથી મળતો. એટલે સવારે જે પહેલો માણસ મળે તેના નામે વેપાર કરવો. એટલે કેશવજીના નામે સોદો કરવાનું વિચારી બંદર પર નાંગરેલા વહાણમાં ભરાયેલી ખજૂરનો સોદો કરવા કેશવજીને મોકલ્યો. નિર્દોષ કિશોરવયના કેશવજીએ ખજૂરનો સોદો કર્યો અને બીજા દિવસે તો ખજૂર વેચાઈ પણ ગઈ! ભાટિયા શેઠને ૮૦૦૦નો નફો થયો. ભાગીદારીના રૂપિયા ૪૦૦૦ કેશવજીને મળ્યા. ૧૯૦ વર્ષ પહેલાંની ૪૦૦૦ની અધધધ કિંમત થાય.*_

*કિશોરવયે રૂપિયા ૪૦૦૦ની માતબર રકમ કમાવી કેશવજીએ વિધવા બાને સુખમાં ઝૂલતી કરી દેવાનો પુરુષાર્થ આદર્યો. નાની વયે સમાજના મહારથી સાથે ભાગીદારીમાં ધંધો શરૂ કર્યો. એ સમયની પ્રથા પ્રમાણે તેમનાં ત્રણેક લગ્ન યોજાયાં હતાં. પચીસ વર્ષની ઉંમરે તો નેણશીમામાની રૂની પેઢીમાં ભાગીદાર બની પેઢીનો કારોબાર હાથમાં લઈ લીધો.*

*સાહસ અને દીર્ઘદૃષ્ટા કેશવજી શેઠે ચીનના હૉન્ગકૉન્ગ બંદર અને આફ્રિકાના કેટલાક દેશોમાં પોતાની પેઢીઓ સ્થાપી ત્યારે તેમની ઉંમર હતી૧@ માત્ર ૨૮ વર્ષની.*

_*એ સમયમાં વિલિયમ નિકલની કંપની રૂના વેપાર માટે સૌથી મોટી કંપની હતી. કંપનીના ભાગીદાર જ્હૉન ફેલેમિંગો સાથે યુવાન કેશવજી શેઠે મૈત્રી કેળવી મુકાદમીનું કામ મેળવી જબરદસ્ત આવક ઊભી કરી. ચાલીસેક વર્ષની ઉંમરે નેણશીમામા સાથે ભાગીદારી સમાપ્ત કરી પોતાના પુત્રના નામે નરસિંહ કેશવજીની કંપની શરૂ કરી મબલક સફળતા મેળવી. દશા ઓશવાળ જૈન જ્ઞાતિને સુવર્ણકાળમાં લઈ ગયા.*_

_*ઈસવી સન ૧૮૬૨માં અમેરિકામાં લડાઈ ફાટી નીકળતાં રૂના ભાવ આસમાને પહોંચી ગયા. કમાવી લેવાની લાલચથી લોકોએ ગાદલાં-ગોદડાંનું રૂ પણ કાઢી વેચી દીધું. એ વર્ષે કેશવજી શેઠની પેઢી પર પૈસાનો વરસાદ વરસ્યો. બીજા લોકોની આવકમાં પણ તેજી આવી અને જાણે નાનકડું મુંબઈ વેપારનું મસમોટું કેન્દ્ર બની ગયું. એ સમયે કેશવજી શેઠ અને બીજા મિત્રોને બૅન્કિંગ સિસ્ટમ ઊભી કરવાનો વિચાર આવ્યો. પરિણામે કેશવજી શેઠે ભારતમાં બૅન્કિંગની શરૂઆત કરી. બૅન્ક ઑફ ઇન્ડિયા લિમિટેડ, બૉમ્બે ટ્રેડિંગ ઍન્ડ બૅન્કિંગ અસોસિયેશન, ઈસ્ટ ઇન્ડિયા બૅન્ક લિમિટેડ, એલ્ફિન્સ્ટન લૅન્ડ ઍન્ડ પ્રેસ કંપની વગેરે શરૂ કરી ભારતમાં બૅન્કિંગનો પાયો નાખ્યો અને દેશમાં ઉદ્યોગો શરૂ કરવાનું વાતાવરણ રચ્યું.*_

*બૅન્કિંગની શરૂઆત પછી રૂની મોટામાં મોટી પેઢીના માલિક કેશવજી શેઠે મુંબઈમાં કાપડની મિલો શરૂ કરવાનું સ્વપ્ન જોયું. પરિણામે કેશવજી શેઠ અને પુત્ર નરસિંહે કેલિકો મિલ્સ, નરસિંહ સ્પિનિંગ મિલ્સ, પ્રિન્સ ઑફ વૅલ્થ, ઍલેક્ઝાન્ડ્રા, કોલાબા મિલ ઇત્યાદિની શરૂઆત કરી. પારસી સદ્ગૃહસ્થોની ભાગીદારીમાં પણ મિલ શરૂ કરી. પરિણામે મુંબઈએ વિકાસમાં હરણફાળ ભરી. અંગ્રેજોના સમયમાં મુંબઈનો વહીવટ સરકાર તરફથી નિમાયેલી જસ્ટિસ સમિતિ દ્વારા થતો. આ સમિતિમાં કેશવજી શેઠ તેમ જ તેમના દીકરા નરસિંહ શેઠ નિમાયા હતા.*

*કેશવજી શેઠે પોતાના મિલ-કામદારો માટે ગિરગાવમાં કેશવજી નાયક ચાલીઓ બાંધી કામદારોને વિનામૂલ્યે ઘર આપી ત્યાં વસાવ્યા. અંદાજે ૧૨૫ વર્ષ પહેલાં લોકમાન્ય ટિળકે સાર્વજનિક ગણપતિની સ્થાપના આ કેશવજી નાયક ચાલમાં કરી. ત્યાં આજે પણ દર વર્ષે સાર્વજનિક ગણપતિની સ્થાપના થાય છે. આજે મુંબઈના સૌથી જૂના ગણપતિ એટલે કેશવજી નાયક ચાલના ગણપતિ કહેવાય છે.*

*સમયને પારખી કેશવજી શેઠે મુંબઈમાં બહુ મોટી જમીનો ખરીદી જમીનદાર તરીકે પ્રખ્યાત થયા. ઉમરખાડી વિસ્તાર તેમની માલિકીનો હતો. આજે જે વિસ્તાર નરસિંઘપુરા તરીકે ઓળખાય છે એ નામ તેમના પુત્ર નરસિંહ પરથી પડ્યું છે. કચ્છી દશા ઓશવાલ જૈન જ્ઞાતિના આ સાહસવીર નિકલ કંપનીના ભાગીદાર હતા. એટલે ક્લેર બંદર, મસ્જિદ બંદર, કર્ણાક બંદર, એલ્ફિન્સ્ટન બંદર ઇત્યાદિ બંદરો તેમના હસ્તકે હતા.*

Thursday 11 May 2023

સવજીભાઈ ની લાઈબ્રેરી

ગોંડલ તાલુકાના રાણસીકી ગામમાં રહેતા સવજીભાઈ પટોળીયા ભણવામાં ખૂબ તેજસ્વી હતા. 1974-75-76 લાગ-લગાટ ત્રણ વર્ષ દુષ્કાળ પડવાથી ઘરની આર્થિક પરિસ્થિતિ કથળી. તે સમયે સવજીભાઈ દેરડીની શેઠ હાઈસ્કુલમાં 8માં ધોરણમાં અભ્યાસ કરતા હતા. આગળ ભણવાની ખૂબ ઈચ્છા હતી પણ પરિવારની પરિસ્થિતિ જોતા કામે લાગવું પડે તેમ હતું એટલે ભણવાનું પડતું મુક્યું.

સવજીભાઈએ એ વખતે સંકલ્પ કર્યો કે મારે ભલે અભ્યાસ અધવચ્ચે છોડવો પડ્યો પણ હું શાળાએ ગયા વગર પુસ્તકો વાંચીને આજીવન ભણતો રહીશ.  શરૂઆતમાં મુંબઇ અને ત્યારબાદ સુરતમાં હીરા ઘસવાનું કામ કર્યું. સુરતમાં લાઈબેરીના સભ્ય બનવા માટે ગયા ત્યારે ફોર્મમાં બે પ્રતિષ્ઠિત વ્યક્તિના સહી સિક્કા કરાવી લાવવાનું કહ્યું. હીરા ઘસવાનું કામ કરનારને તો બીજું કોણ ઓળખતું હોય ! સવજીભાઈએ નક્કી કર્યું કે લાઈબ્રેરીના સભ્ય બનવાને બદલે આપણી પોતાની જ લાઈબ્રેરી બનાવીએ. 

ઓછામાં ઓછા ખર્ચથી ઘર ચલાવે અને જે બચત થાય એમાંથી પુસ્તકો ખરીદે. પહેરવા માટેના કપડાં પણ નવા ખરીદવાના બદલે ગુજરી બજારમાંથી લઇ આવે અને એવી રીતે જે બચત થાય એમાંથી પુસ્તકો ખરીદે. પોતે વાંચે અને બીજાને વાંચવા માટે આપે. આજે સવજીભાઈ પાસે 3000થી વધુ પુસ્તકોની અંગત લાઈબ્રેરી છે.

સવજીભાઈ હાલમાં ધોરાજીમાં રહે છે. આંખોની ઝાંખપને લીધે હીરા ઘસવાનું છૂટી ગયું અને અત્યારે મજૂરી કરીને જીવનનિર્વાહ કરે છે પણ પુસ્તકપ્રેમ ઓછો નથી થયો. પુસ્તકો રાખવા માટે સારી જગ્યા પણ નથી પતરા વાળા મકાનમાં જુના પતરાના ડબા, અનાજ ભરવાની કોઠી વગેરેમાં જુના બધા પુસ્તકો અને સમાયિકોને જીવની જેમ સાચવીને રાખે છે. આર્થિક સંકડામણને લીધે એકવખત જમવાનું છોડી શકે પણ પુસ્તક ખરીદવાનું ન છોડી શકે એવા સવજીભાઈ એમ કહે છે કે 'માણસ વાંચે એટલે વિચારે અને વિચારોથી જ સમાજમાં પરિવર્તન આવે.

2013માં જ્યારે સવજીભાઈના માતાનું અવસાન થયું ત્યારે ખેતીની મોસમ ચાલતી હતી એટલે કોઈ હેરાન ન થાય એવા ઈરાદાથી માતાના અંતિમ સંસ્કારમાં કોઈને બોલાવ્યા જ નહીં. ગામના નજીકના જે લોકો સ્મશાનમાં હાજર હતા એ બધાને હાથ જોડીને કહ્યું કે 'મારા બા જીવતા હતા ત્યારે દીકરા તરીકે મારાથી થાય એ બધી જ સેવા કરી છે એટલે એમની વિદાય પછી હવે બીજી કોઈ જ પ્રકારની વિધિઓ કરવી નથી અને કોઈનો સમય બગાડવો નથી.' મરણોત્તર વિધિઓ પાછળ થતો બિનજરૂરી ખર્ચ બંધ કરીને સમાજને નવો રાહ ચીંધ્યો. પોતાની અંગત લાઈબ્રેરીને માતા જીવિબેન અને પિતા નાથાભાઇના નામ પરથી 'જીવનાથ પુસ્તકાલય' નામ આપીને માતા-પિતાને જ્ઞાનાંજલિ આપી.
ધોરાજીમાં સાવ સામાન્ય મકાનમાં રહેતા અને મજૂરી કામ કરતા આ જ્ઞાનપીપાસુ માણસ 'પુસ્તક તમારે દ્વાર' પ્રવૃત્તિ દ્વારા કોઈપણ જાતનો ચાર્જ લીધા વગર તમને ગમતાં પુસ્તક તમારી ઘરે આપી જાય અને પુસ્તક વાંચી લો એટલે ઘરે આવીને પરત લઇ જાય. બે દિકરામાંથી એક દીકરો મનોદિવ્યાંગ છે આમ છતાં સવજીભાઈ એમ કહે છે કે હું મારા નિજાનંદમાં રહુ છું અને દીકરો એના નિજાનંદમાં રહે છે.

પ્રતિકૂળ પરિસ્થિતિમાં પણ આજીવન ભણતા રહેવાના સંકલ્પને વળગીને જ્ઞાનની પરબ ચલાવતા આ મુઠ્ઠી ઉંચેરા માણસને વંદન.

દાદા પોતે સમાજ પ્રેમી છે નિષ્ઠાવાન છે ક્યારેય કોઈ પાસે એક રૂપિયો માગતા નથી અને લેવા પણ માગતા નથી પણ જો આટલા બધા સમાજવાદી હોય તો આપણી પણ ફરજ બને છે દાદાને કંઈક આપણે યથાશક્તિ પ્રમાણે આપી અને આ આપણો વારસો કંઈક યોગ્ય રીતે જળવાઈ રહે..

સવજીભાઈનો સંપર્ક નંબર 9824003768. તેઓ સાદો ફોન વાપરે છે.

સવાલ આવડત નો છે

અમદાવાદ માં કર્ણાવતી ક્લબ પાસે ચાય વાળો અર્ધો કલાક માં ૨૦ રૂપિયા ની એક એવી ૨૦૦ ચાય વેચે છે !! અર્ધી રાત્રે ત્યાં ૧૦૦ જણા ચા પીવા ઉભેલા હોય !!! આ જોઈ લાગે કે જો મોદીજી ની લારી આવી ચાલતી હોત તો પ્રધાનમન્ત્રી જ ન બનત !! 
વોટસપ પરથી 

જોકર કે ગાંઠિયા રથ નો ગાંઠિયા નો ધંધો લાખો માં છે !! નોકરિયાતો ને તો ફ્રસ્ટેશન આવી જાય એની કમાણી જોઈ ને !! 

બોડકદેવ રોડ પર એક ગોળા વાળો છે ત્યાં મિનિમમ ૬૦ રૂપિયા ને ૮૦૦ સુધી નો ગોળો મળે છે .રાત્રે ગાડીઓ ની લાઈન લાગે છે સાચે એ લોકો ના પૈસા નું પાણી કરે છે ને પોતે પાણી માંથી પૈસા બનાવે છે !!

આતો માત્ર ઉદાહરણ છે આવા દરેક એરિયા માં હશે ને દરેક નાના મોટા શહેર માં હશે ..હવે તમે તમારા સંતાન ને બોથરા આકાશ માં લાખો રૂપિયા આપી ૧૨ ધોરણ પછી ડોક્ટર એંજીનીઅર બનાવશો ને નોકરી નહીં મળે પ્રેકટીશ નહીં ચાલે ત્યારે આજ સમાજ એમ કહેશે કે આના કરતા તો ઓલો વડાપાંવ વાળો વધુ કમાય છે !! 

ભણતર ના ભાર થી કે નિષ્ફ્ળતા ના ડર થી આપઘાત કરતા યુવા ધન ને આવા ઉદાહરણો બતાવી ભણતર કરતા સાહસ, ધન્ધો, ક્વોલિટી પૈસા કમાવી આપે છે એ સમજાવવું રહ્યું !! 

અમારે ત્યાં એક ભાજીપાંવ વાળો રોજ હજારો પાડે છે પણ બોલવા માં વાતચીત માં આપણા ઉદ્ધત નેતાઓ વિચારકો કે ડોકટરો કરતા બહુ જ વિનમ્ર ..હવે નવેસર થી વિચારવા નો સમય છે !! ૬૦ વર્ષ ટીંગાઈ ને નોકરીઓ કરવી ..કે ભજીયા, ગોળા ,ચાય ની દુકાન કરી ૬૦ વર્ષ નું ૧૬ વર્ષ માં કમાઈ લેવું !! 

ભલે બધા નથી કમાતા પણ સવાલ આવડત નો છે .સંતાન ને કેમ પૈસા કમાવવા એ જાતે નક્કી કરવા દો .લારી હોય કે દુકાન ..લક્ષ્મી આવડત ને વરે છે .

 
Design and Bloggerized by JMD Computer